1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોટિલા -થાનગઢ અને મુળી વિસ્તારમાં ખનીજચોરી સામે ડ્રોન સર્વેલન્સથી બાજ નજર
ચોટિલા -થાનગઢ અને મુળી વિસ્તારમાં ખનીજચોરી સામે ડ્રોન સર્વેલન્સથી બાજ નજર

ચોટિલા -થાનગઢ અને મુળી વિસ્તારમાં ખનીજચોરી સામે ડ્રોન સર્વેલન્સથી બાજ નજર

0
Social Share

સુરેન્દ્રનગર, 26 મે,2026 : Drone surveillance against mineral theft   જિલ્લાના ચોટિલા, સાયલા, મુળી અને થાનગઢ વિસ્તારમાં ખનીજની ચોરી સામે તંત્રએ લાલા આંખ કરી છે. ઘણા સમયથી ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા રેડ પાડવા જતા અગાઉ ખનીજ માફિયાઓને આગોતરી જાણ થઈ જતી હતી. તેના લીધે રેડ નિષ્ફળ રહેતી હતી. આથી પોલીસે ખનીજ માફિયાઓને વોટ્સએપ દ્વારા માહિતી પહોંચાડતી ગેન્ગનો પડદાફાસ કર્યો હતો. હવે ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખનન પ્રભાવિત વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા ખાસ કરીને થાનગઢ અને મૂળી વિસ્તારના જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ઉમરડા, વગડીયા અને ખંપાળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ અંકુશ લાવવાનો લક્ષ્ય નક્કી કરાયો છે. અગાઉ વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયેલા કોલસાના કુવાઓ ભૂમાફિયાઓ દ્વારા ફરીથી ચાલુ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત સરકારે ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે. ડ્રોન ટેકનોલોજી દ્વારા આ વિસ્તારોમાં સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ખનીજ માફિયાઓ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ ન કરી શકે.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું છે કે, સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. નિયમોનો ભંગ કરનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code