1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા
બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા

બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા

0
Social Share

પાલનપુર,12 જુન, 2026 : Clouds cover the atmosphere due to changes  જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ગોરંભાયા છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના વિસ્તારોમાં આકાશમાં વાદળછાંયુ બનતા ગરમીમાં રાહત થઈ છે, પણ લોકો અસહ્ય બફારોનો સામનો કરી રહ્યા છે.

બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા સહિત વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને બાજરીના પાકની લણણીના સમયે ગોરંભાતા જો વરસાદ પડે તો બાજરી સહિતના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને આશા હતી કે, બાજરીનો સારો પાક મળશે, પરંતુ હવે વાતાવરણના પલટાથી તેમની મહેનત પર પાણી ફરી વળવાનો ડર સતાવી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળો છવાયેલા રહેતા ખેતીકામ પર પણ અસર પડી છે.

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વડીલો આજે કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરે છે. તેમાં સૌથી મહત્વનો સંકેત કોળોમણ માનવામાં આવે છે. વહેલી સવારે પૂર્વ કે દક્ષિણ દિશામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળે તેને ગ્રામીણ ભાષામાં કોળોમણ કહેવામાં આવે છે. વર્ષો જૂની લોકમાન્યતા મુજબ કોળોમણ દેખાયા બાદ અંદાજે 15 દિવસની અંદર ચોમાસાની સત્તાવાર શરૂઆત થતી હોવાનું વડીલો માને છે. આ અંગે પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામના સતાયું વડીલ રામજીજી ઠાકોરે જણાવ્યું કે, જ્યારે વહેલી સવારે આકાશમાં કાળા ઘેરા વાદળોનો પટ્ટો દેખાય અને તેને કોળોમણ કહેવાય, ત્યારે સામાન્ય રીતે 15 દિવસની અંદર ચોમાસું શરૂ થઈ જાય છે. વર્ષોથી અમે આ સંકેત જોતા આવ્યા છીએ આ આગાહી સાચી પણ પડી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code