Homeગુજરાતીગુજરાતસુરતમાં યુવાને પોતાના પરિવાર પાસેથી 50 લાખ પડાવવા અપહરણનું નાટક કર્યું

સુરતમાં યુવાને પોતાના પરિવાર પાસેથી 50 લાખ પડાવવા અપહરણનું નાટક કર્યું

સુરત, 18 જુન, 2026 : Young man staged a kidnapping to extort Rs 50 lakh from his family શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે પોતાનું અપહરણ થયાનું નાટક રચીને પરિવારને 50 લાખ નહીં આપો તો લાશ મળશે તેવો ધમકીભર્યો હિન્દીમાં મેસેજ અને વીડિયો મોકલીને યુવક ગુમ થઈ ગયો હતો. પોતાના યુવાનના અપહરણ થયાની જાણ થતાં પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. યુવકના સગા-સંબંધીઓ પણ દોડી આવ્યા હતા. અને પરિવારને સમજાવીને પોલીસની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન ઉત્રાણ પોલીસે ફરિયાદના આધારે ત્વરિત તપાસ હાથ ધરીને  ગણતરીના કલાકોમાં ગોધરાની એક હોટલમાંથી યુવાનને સહીસલામત દબોચી લીધો હતો. પોલીસે યુવાની પૂછપરછ કરતા પરિવાર પાસે 50 લાખ પડવવા માટે નાટક રચ્યાનું કહેતા જ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના મોટા વરાછામાં ભક્તિનંદન સેક્ટર-2માં રહેતા નિશાબેન તળાવિયાએ ગત તા. 12 જૂનના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તેમના 36 વર્ષીય પતિ જીગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ અચાનક જ ગુમ જીગ્નેશના મોબાઈલ પરથી પરિવારને એક ડરામણો મેસેજ મળ્યો હતો. જેમાં  હિન્દીમાં લખ્યું હતું કે, આના એકાઉન્ટમાં 50 લાખ નાખો નહીં તો તેની લાશ મળશે. તેનું અપહરણ કરાયું છે. પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું. આ મેસેજ અને સાથે આવેલા એક વીડિયોના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને સચોટ કડી મળતા ગત તા. 15 જૂનના રોજ બપોરે 1 વાગ્યે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી જીગ્નેશ તળાવિયાને સહીસલામત શોધી કાઢ્યો હતો.

ગોધરાની હોટલમાંથી પકડાયેલા જીગ્નેશની જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોતે જ આ આખું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પરિવાર પાસેથી મોટી રકમ મેળવવા માટે તેણે જાતે જ હિન્દીમાં મેસેજ ટાઈપ કર્યો હતો અને પોતે બંધક બન્યો હોય તેવો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી જીગ્નેશ પાસે તે કેવી રીતે બંધક બન્યો હતો અને વીડિયો શૂટ કર્યો હતો, તેનો લાઈવ ડેમો પણ કરાવ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી જીગ્નેશ તળાવિયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામનો વતની છે અને સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પોતાના જ અપહરણની ખોટી વાર્તા ઊભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા, સમય બગાડવા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ ઉત્રાણ પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધી જેલભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular