ગાંધીનગર, 17 સપ્ટેમ્બર, 2026 : Chief Officer in Charge of Fire caught taking bribe શહેરના ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ચીફ ઓફિસર રાજેશ બાબુલાલ પટેલ ફાયરની એનઓસી રિન્યુ કરવા માટે રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને રાજેશ પટેલને તેની ઓફિસમાંથી રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે, ફાયર એનઓસી મેળવવા માટે ફરિયાદીએ ગાંધીનગર ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલનો સંપર્ક કર્યો હતો. એનઓસીના બદલામાં ફાયરના ઈન્ચાર્જ ચીફ ઓફિસરે રૂપિયા 20 હજારની લાંચની માગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. આથી તેમણે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. અને સેક્ટર- 17 સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આક્ષેપિત રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20 હજારની લાંચની રકમ પોતાની ચેમ્બરમાં સ્વીકારતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
રાજ્યમાં લાંચ કેસમાં ફાયર વિભાગના અધિકારીઓ પકડાવવાના બનાવો વધી રહ્યા છે. દોઢ મહિના પહેલા જ અમદાવાદ મ્યુનિના ચીફ ફાયર ઓફિસર રૂ. 36 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફાયર બ્રિગેડના સાત અધિકારી એસીબીની ઝપટે ચડી ચૂક્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2022 માં એક હાઇ-પ્રોફાઇલ ટ્રેપ સફળ બનાવી હતી. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલી રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે આવેલી અંતરીક્ષ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા માટે પ્લાન મંજૂર કરવા અને પ્રી-એન.ઓ.સી મેળવવા અર્થે કરવામાં આવેલી અરજીના બદલામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર એવા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા મહેશ રવિદાન મોડ પણ એસીબીના હાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.


