Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગરમાં જેલ અને પોલીસ સ્ટેશનની રેન્જ IG નિર્લિપરાયએ લીધી સરપ્રાઈઝ વિઝિટ

સુરેન્દ્રનગરમાં જેલ અને પોલીસ સ્ટેશનની રેન્જ IG નિર્લિપરાયએ લીધી સરપ્રાઈઝ વિઝિટ

સુરેન્દ્રનગર, 28 ઓક્ટોબર, 2026 : DIG Nirliprai’s surprise visit to jail and police station કડક છાપ ધરાવતા અને કાર્યનિષ્ઠ એવા રાજકોટના રેન્જ આઈજી નિર્લિપરાયે સુરેન્દ્રનગરની જેલ તેમજ પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. નિર્લિપરાયે તપાસ દરમિયાન શહેરની સબજેલમાં કેદીઓ માટે બહારથી આવતાં ટિફિન તાત્કાલિક અસરથી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. રેન્જ આઈજી સુરેન્દ્રનગર આવતા જ પોલીસ અધિકારીઓ તેમના સ્વાગત માટે દોડી ગયા હતા.

રાજકોટના રેન્જ આઈજી  નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર, સુરેન્દ્રનગર સબ જેલ, ‘એ’ ડિવિઝન પોલીસ મથક તેમજ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રૂબરૂ જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેમણે પોલીસ મથકોની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા પોલીસ કર્મચારીઓની તાલીમ સંબંધિત બાબતોની સઘન સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 આ ઉપરાંત  રેન્જ IG દ્વારા સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળીને તેમની સમસ્યાઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. પોલીસ પ્રશાસન અને પ્રજા વચ્ચે સુમેળ સાધવાના અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.

આ સરપ્રાઈઝ ચેકિંગ અને આયોજિત મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એસીપી વેદિકા બિહાની સહિત વિવિધ ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ સમગ્ર સ્ટાફ સાથે ખડેપગે હાજર રહ્યા હતા. પોલીસ વડા દ્વારા કાયદો-વ્યવસ્થાની જાળવણી અને પ્રજાલક્ષી કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે તાકીદના આદેશો આપવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular