Homeગુજરાતીગુજરાતજેતપુરમાં નકલી અધિકારીના સ્વાંગમાં કારખાનેદાર પાસેથી તોડ કરતો ઠગ પકડાયો

જેતપુરમાં નકલી અધિકારીના સ્વાંગમાં કારખાનેદાર પાસેથી તોડ કરતો ઠગ પકડાયો

રાજકોટ, 15 સપ્ટેમ્બર, 2026 :  Man caught vandalizing by impersonating fake officer જિલ્લાના જેતપુરમાં પોતે શ્રમ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કારખાનેદારને ધમકી આપીને તોડબાજી કરતા ઠગને ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે. નકલી અધિકારીએ રૂપિયા 40 હજારની માગણી કરી હતી. કારખાનેદારે રૂપિયા 10 હજાર રૂપિયા આપી દીધા હતા. બાકીના રૂપિયા 30,000 આંગડિયા મારફતે મોકલવાનું નક્કી થયું હતું. જોકે બાદમાં ફોન ન ઉપાડતાં શંકા જતાં ભોગ બનનારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઝડપાયેલો  ગઠિયો રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો નરેન્દ્રભાઈ ત્રિવેદી (રહે.અમદાવાદ) ભૂતકાળમાં પણ નકલી પોલીસ, નકલી મામલતદાર અને નકલી આઈટી ઓફિસર સહિતના સ્વાંગ રચીને પાંચ-પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ બનાવની વિગતો એવી છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનેદારને ગાંધીનગર સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના ‘પટેલ સાહેબ’ તરીકે ખોટી ઓળખ આપી ₹40,000ની ખંડણી માંગવાના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના રીઢા ગુનેગાર રાજેશ ઉર્ફે રાજુ ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો છે.

રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ, થોડા સમય અગાઉ જેતપુર ઉદ્યોગનગર ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા એક કારખાના પર દરોડો પાડી બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાની વિગતો મેળવી આરોપી રાજુ ત્રિવેદીએ કારખાનેદારને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતે સચિવાલયનો વર્ગ-1 નો અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. બાદમાં રૂબરૂ પહોંચી કારખાનું સીલ કરવાની અને બાળકોના મોતનો ડર બતાવી મામલો થાળે પાડવા ₹40,000 ની માંગણી કરી હતી.  કારખાનેદારે તુરંત ₹10,000 રોકડા આપ્યા હતા અને બાકીના ₹30,000 આંગડિયા મારફતે મોકલવાનું નક્કી થયું હતું. જોકે બાદમાં ફોન ન ઉપાડતાં શંકા જતાં ભોગ બનનારે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અમરેલીમાં છેતરપિંડી અને ખંડણી સહિતના કુલ 9 ગુના નોંધાયેલા છે. આ પૈકી 5 વખત તો તે ઉચ્ચ સરકારી અધિકારી તરીકેની બનાવટી ઓળખ આપીને ઝડપાઈ ચૂક્યો છે. જેમાં ગાંધીનગરમાં નકલી ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર, બાપુનગરમાં નકલી પોલીસકર્મી, અમરેલીમાં નકલી મામલતદાર, કાલુપુરમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર અને સુરતમાં નકલી જેલર બનીને ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે. હવે રાજકોટ ગ્રામ્યમાં નકલી શ્રમ અધિકારી બનીને છઠ્ઠી વખત પોલીસ સકંજામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular