વડોદરા, 17 જુલાઈ 2026 : Four women posing as customers stole 56 pouches of ghee from two malls શહેરના અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટના બે અલગ-અલગ મોલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ચાર મહિલાઓ અમૂલ બ્રાન્ડના ઘીના 56 પાઉચની ચોરી પલાયન થઈ ગઈ હતી. ઘીના પાઉચના સ્ટોક તપાસતા ઓછા જણાતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં બન્ને મોલમાં 4 મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ગેલેરિયા મોલમાં આવેલા ડી-માર્ટ મોસના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ફરિયાદી રફીક યાસીન મલેક (ઉં.વ. 31) એ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 15 જુલાઈના રોજ બપોરે 2થી રાત્રે 11 વાગ્યાની શિફ્ટ દરમિયાન સ્ટોક ચેકિંગ કરતા 15,360 રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના 24 પાઉચ અને 5,560 રૂપિયાની કિંમતના અમૂલ ગાયના ઘીના એક લિટરના 8 પાઉચ મળીને કુલ 20,920 રૂપિયાની કિંમતના 32 પાઉચ સ્ટોકમાંથી ગાયબ હતા. આ અંગે વાસણા ડી-માર્ટના સ્ટોર મેનેજર ધવલ સાળુંખેને જાણ કરવામાં આવતા ત્યાં પણ સ્ટોક ચેક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાસણા શાખામાંથી 15,360 રૂપિયાની કિંમતના અમૂલ ભેંસના ઘીના એક લિટરના 24 પાઉચ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આમ બંને શાખાઓમાંથી 36,280 રૂપિયાની કિંમતના કુલ 56 ઘીના પાઉચ ચોરી થયાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને શાખાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં તા. 12 જુલાઈના રોજ અકોટા ડી-માર્ટ ખાતે સાંજે અંદાજે 4:30 વાગ્યે તેમજ વાસણા ડી-માર્ટ ખાતે સાંજે અંદાજે 6:15 વાગ્યે ચાર અજાણી મહિલાઓ ઘીના પાઉચ બિલ ચૂકવ્યા વગર લઈ જતી સ્પષ્ટ જોવા મળી હતી.
CCTV ફૂટેજના આધારે બંને બનાવમાં સામેલ મહિલાઓ એક જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં 4 અજાણી મહિલાઓ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


