1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના અસારવામાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોનો હોબાળો
અમદાવાદના અસારવામાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોનો હોબાળો

અમદાવાદના અસારવામાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોનો હોબાળો

0
Social Share

અમદાવાદ, 8 જુન 2026 : Public uproar over contaminated water issue શહેરમાં ગોતા વિસ્તાર બાદ અસારવા વિસ્તારમાં પણ દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો વિરોધ કર્યો છે. અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી રહિશો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે. અગાઉ મ્યુનિના અધિકારીઓને અનેક રજુઆતો કરી છતાંયે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે તપાસ માટે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓને લોકોએ બંધક બનાવીને બેસાડી દીધા હતા, જેને પગલે અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

શહેરના અસારવા વિસ્તારમાં આવેલી  ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી અત્યંત પ્રદૂષિત અને ગંદુ આવી રહ્યું છે. દૂષિત પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ બાબતે સ્થાનિકો દ્વારા એએમસી (AMC) ના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ ખુદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને પણ વારંવાર રજૂઆતો કરી હતી. આમ છતાં, નેતાઓ કે તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. નેતાઓ અને અધિકારીઓની આ ઘોર ઉપેક્ષાને કારણે સ્થાનિકોમાં લાંબા સમયથી ભારે રોષ ભભૂકી રહ્યો હતો. ગત રોજ જ્યારે એએમસી (AMC) ના કર્મચારીઓની એક ટીમ પાણીની લાઈન અને પ્રદૂષણના ચેકિંગ માટે ભોગીલાલની ચાલી ખાતે પહોંચી, ત્યારે સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મહિલાઓ અને પુરુષોએ કર્મચારીઓ સામે પોતાનો ભારે બળાપો કાઢ્યો હતો અને તેમને ત્યાં જ રોકી રાખીને બેસાડી દીધા હતા. ચાલીમાં ભારે અફરાતફરી અને હોબાળાની સ્થિતિ સર્જાતા એએમસી દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો આગામી દિવસોમાં આ પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code