અમદાવાદ, 10 જુલાઈ 2026 : Laxity regarding the security of the Gujarat University campus will not be tolerated ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોસ્ટેલ અને અન્ય બિલ્ડિંગો પર દારૂની ખાલી બોટલો મળ્યા બાદ યુનિ.કેમ્પસની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. આથી યુનિના સત્તાધિશોએ હવે કેમ્પસને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. તમામ વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને શૈક્ષણિક ભવનની સુરક્ષા અને જાળવણી પર વિશેષ ધ્યાન આપવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કેમ્પસમાં કોઈપણ પ્રકારની અનધિકૃત પ્રવૃત્તિ રોકવા માટે સિક્યુરિટી એજન્સીને હાઈ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા તમામ વિભાગોના વડાઓ, ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અને એસ્ટેટ વિભાગને આ અંગે સત્તાવાર પત્ર લખીને સુચના આપવામાં આવી છે. આ પત્રમાં શૈક્ષણિક બિલ્ડિંગની નિયમિત તપાસ કરીને તેની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા આદેશ કરાયો છે. બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની તિરાડ, માળખાકીય ખામી, વીજ વ્યવસ્થામાં ગરબડ, પાણીની લાઇનનું લીકેજ અથવા અન્ય કોઈ સુરક્ષા સંબંધિત ખામી જણાય તો તેનું તાત્કાલિક સમારકામ કરાવવા જણાવાયું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયસર રિપેરિંગ કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત સમગ્ર કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટે યુનિવર્સિટીએ વિશેષ ગાઈડલાઈન જાહેર કરી છે. કેમ્પસમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, અનધિકૃત પ્રવૃત્તિ કે અજાણી બિનવારસી વસ્તુ જોવા મળે તો તેની તાત્કાલિક જાણ યુનિવર્સિટીના સુરક્ષા વિભાગને કરવાની રહેશે.
સુરક્ષા એજન્સી સાથે સતત સંકલન રાખીને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રોફેસરો અને વહીવટી સ્ટાફને સતર્ક રહેવા જણાવાયું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવા સિક્યુરિટી એજન્સીને પણ અલગથી તાકીદ કરવામાં આવી છે.
શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ વિભાગોને તેમની ઉપલબ્ધિઓ, પડકારો અને આગામી કાર્યયોજનાને આવરી લેતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવા જણાવાયું છે. આ પ્રેઝન્ટેશન આગામી 15 તારીખ સુધીમાં ઈ-મેઈલ મારફતે મોકલી આપવાનું રહેશે. વિભાગવાર કામગીરીનું મૂલ્યાંકન અને ભવિષ્યની વિકાસ યોજના માટે આ માહિતીનો ઉપયોગ કરાશે. પ્રેઝન્ટેશન વધુમાં વધુ 7 સ્લાઇડનું બનાવવાની કડક મર્યાદા નક્કી કરાઈ છે અને ટૂંક સમયમાં જ વિભાગના વડાઓને કુલપતિ સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવા રૂબરૂ બોલાવવામાં આવશે. આમ, યુનિવર્સિટી પ્રશાસન એક તરફ સુરક્ષા અને બીજી તરફ શૈક્ષણિક આયોજનને વધુ અસરકારક બનાવવા માટે સક્રિય બન્યું છે.


