
- સરદાર પટેલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
- આરોપી કાર્તિંક પટેલ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી
- અગાઉ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી નામુંજુર થઈ હતી
અમદાવાદઃ શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ઉતરતા જ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચએ પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ હવે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 9 આરોપી પકડાયા છે. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યાર બાદ દુબઈ ભાગી ગયો હતો. અને કાર્તિકે અગાઉ આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યા હતા પણ તે નિષ્ફળ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વધુ ચર્ચાસ્પદ બનેલા અમદાવાદના ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની ગત મોડીરાત્રે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો. અને વિદેશથી તેના સંબંધી મારફત આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી હતી. હવે આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના છે.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષોનાં મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન કાર્તિક પટેલ સામે ફરિયાદ નોંધાતા કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી ગયો હતો. આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ જામીન મંજૂર થયા નહોતા. આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય એમ સામે આવ્યો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.
સૂત્રોના કહેવા મુજબ કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યાર બાદ દુબઈ ભાગી ગયો હતો, હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણીમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.