સુરેન્દ્રનગર, 17 જુન, 2026 : Two killed in accident between car and trailer રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાટડીના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક નિવૃત્ત નાયબ મામલતદાર અને એક આધેડ મહિલાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાટડી તાલુકાના કઠાડા ગામ નજીક હાઈવે પર એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા નિવૃત્ત નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ દસાડા તાલુકાના ઝેઝરી ખાતે સવા મહિનાની ઝીયારત કરીને વારાહી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એમદખાન મલેકની પત્ની રાણબાઈ એમદખાન મલેક, કાર ચાલક હયાતખાન હુસેનખાન મલેક અને અન્ય આધેડ મહિલા હસીનાબેન ઇકબાલખાન મલેકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હસીનાબેન ઇકબાલખાન મલેકનું પણ મૃત્યુ થયું હતું. કાર ચાલક હયાતખાન હુસેનખાન મલેકની ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં પાટણના સાંતલપુરના વારાહી ખાતે રહેતા બે લોકોના મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દસાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ દસાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.


