1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં શ્યામલ નજીક શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક
અમદાવાદમાં શ્યામલ નજીક શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક

અમદાવાદમાં શ્યામલ નજીક શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક

0
Social Share

અમદાવાદ, 27 એપ્રિલ 2026: Massive fire breaks out in Shangrila-2 Arcade near Shyamal   શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી. આગની જાણ થતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા. અને ફારબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન આગ જોતજોતામાં વિકરાળ બનતા ગ્રાઉન્ડ ફ્લોરથી HR ફિટનેસ નામના જિમ સુધી પહોંચી ગઈ હતી. જિમમાં 25થી 30 લોકો ફસાયેલા હતા જે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ઘટના સ્થળે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને ફાયરબ્રિગેડને કામગીરીમાં ખલેલ ન પડે તે માટે લોકોના ટોળાંને હટાવ્યા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગની નીચે પાર્ક કરેલા અનેક વાહન બળીને ખાક થઇ ગયા હતા.

શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ લાગતા ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડના 50 અધિકારીઓ અને જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કાબૂમાં આવી ગયા બાદ શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને એફએસએલ દ્વારા હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શાંગરીલા-2 આર્કેડમાં લાગેલી ભીષણ આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના માળે પ્રસરી હતી.  આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code