અંબાજી, 6 મે 2026: Employee caught stealing bundle of notes during counting સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને દાનપેટીમાં યથાશક્તિ દાન આપતા હોય છે. અને મંદિરના કર્મચારીઓ દ્વારા રોકડ રકમની ગણતરી કરીને બેન્કમાં મંદિરના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હોય છે. દરમિયાન મંદિરના ભંડાર કક્ષમાં નોટોની ગણતરી ચાલી રહી હતી ત્યારે નોટોનું બંડલ ચોરી કરતા એક હંગામી કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે અંબાજી મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર બાથરૂમ ગયો ત્યારે તેના હાથમાંથી નોટોનું બંડલ પડી ગયું હતું. અન્ય કર્મચારીઓએ આ જોઈને તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી. મંદિરના હિસાબી અધિકારીએ અંબાજી પોલીસ મથકે ચિરાગ ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેની પાસેથી 208 નોટો મળી આવી હતી, જેની કુલ રકમ રૂ. 1,04,000 થાય છે. પોલીસે આરોપી ચિરાગ ઠાકોરની ધરપકડ કરી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ચોરી થયેલી આ રકમ એચડીએફસી બેંકમાં જમા કરાવવામાં આવી છે. અંબાજી મંદિરમાં દર મંગળવારે સીસીટીવી કેમેરાની હાજરીમાં કાયમી અને હંગામી કર્મચારીઓ તેમજ સુરક્ષા જવાનોની હાજરીમાં ભંડાર કક્ષમાં નોટોની ગણતરી કરવામાં આવે છે.


