1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બેન્કમાં ગોલ્ડ લોનના નામે નકલી સોનું મુકીને 34 લાખની છેતરપિંડી, 5ની ધરપકડ
બેન્કમાં ગોલ્ડ લોનના નામે નકલી સોનું મુકીને 34 લાખની છેતરપિંડી, 5ની ધરપકડ

બેન્કમાં ગોલ્ડ લોનના નામે નકલી સોનું મુકીને 34 લાખની છેતરપિંડી, 5ની ધરપકડ

0
Social Share

નવસારી, 17 મે 2026: Bank defrauded of Rs 34 lakh by depositing fake gold in the name of gold loan  મોંઘવારી વધતી જાય છે. ત્યારે ઘણાબધા લોકો ગોલ્ડ બેન્કમાં ગીરો મુકીને લોન લેતા હોય છે. બેન્કો દ્વારા કમિશન પર રાખેલા સોની દ્વારા ગોલ્ડની ખરાઈ કરીને તેની કિંમત નક્કી કરીને લોન આપવામાં આવતી હોય છે. ત્યારે  ગોલ્ડ લોનના નામે બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે, જેમાં નવસારી અને મહીસાગરના લુણાવાડા ખાતે નકલી સોનાને અસલી તરીકે રજૂ કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. નવસારીમાં બેંક ઓફ બરોડાની જલાલપોર શાખામાં સોનીની મિલીભગતથી નકલી દાગીના ગીરવે મૂકી રૂ. 21.39 લાખની લોન પડાવી લેવાઈ હતી, જેમાં પોલીસે નવસારી અને સુરતથી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં મુથુટ ફિનકોપ બેંકના તત્કાલીન મેનેજરે મુખ્ય આરોપી સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી નકલી સોનાના જોરે એક ગોલ્ડ બાયર એજન્સી સાથે રૂ. 12.65 લાખની મોટી ઠગાઈ આચરી હતી. આ બંને ઘટનાઓ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં અસલી સોનાના નામે નકલી દાગીના ગીરવે મૂકી રૂ. 21.39 લાખથી વધુની લોન મેળવી લેવામાં આવી હતી. જ્યારે બેંકના આંતરિક ઓડિટ અથવા પુનઃ ચકાસણી દરમિયાન ગીરવે મૂકેલા દાગીના નકલી હોવાનું માલૂમ પડતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો હતો. બેંક ઓફ બરોડાના વર્તમાન મેનેજર પોરસભાઈ ભાઠેનાએ આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ બેંકના અધિકૃત સોની સાથે મિલીભગત કરીને નકલી સોનાને અસલી તરીકે પ્રમાણિત કરાવ્યું હતું અને બેંકમાંથી રૂ. 21.39 લાખથી વધુની ગોલ્ડ લોન પાસ કરાવી લીધી હતી

લોનની રકમ મેળવ્યા બાદ તમામ આરોપીઓ બેંકને અંધારામાં રાખીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નવસારી પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લઈને સુરત અને નવસારીના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. સતત શોધખોળના અંતે પોલીસે આ ગુનામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓને નવસારીમાંથી અને એક આરોપીને સુરતથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશ ગોવિંદભાઈ પરમાર, રામસિંગ જગદીશભાઈ નિર્મલ, સુરેશકુમાર યાદવ, મૌલિક ઠાકોરભાઈ ટંડેલ અને જીતેન્દ્રકુમાર કોરાટ તરીકે થઈ છે. હાલમાં પોલીસે આ તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કોઈ બેંકોમાં પણ આ પ્રકારે નકલી સોનું મૂકીને લોન લીધી છે કે કેમ, તેમજ બેંકના અન્ય કોઈ કર્મચારીઓની આમાં સંડોવણી છે કે નહીં, તે દિશામાં પોલીસે પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code