Homeગુજરાતીગુજરાતદિવાળીના વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા શાળાઓને DEOએ આપી સુચના

દિવાળીના વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા શાળાઓને DEOએ આપી સુચના

અમદાવાદ, 31 ઓકટોબર,2026 : DEO instructs schools not to give homework to students during Diwali vacation શહેરમાં મોટાભાગની શાળાઓ વિદ્યાર્થીઓને વધુ હોમવર્ક આપતી હોય છે. વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશને જતા હોય તો ત્યાંથી પણ હોમવર્ક આપવામાં આવતું હોય છે. વધારે પડતા હોમવર્કને લીધે વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. ઘરે આવ્યા બાદ અન્ય પ્રવૃતિમાં પણ ભાગ લઈ શકતા નથી. શાળાઓમાં 5મી નવેમ્બરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. ત્યારે ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાનો ચાર્ટ બનાવી દીધો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જારી કરીને તમામ શાળાઓને વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા સુચના આપી છે.

 સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ હોમવર્કના બોજ હેઠળ ન દબાય તે માટે પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે અનુસાર વિદ્યાર્થીઓ પરિવાર સાથે આનંદમય રીતે તહેવારો ઉજવી શકે તે માટે વધુ હોમવર્ક ન આપવા સ્કૂલઓને કડક સૂચના આપવામાં આવી છે. વેકેશનમાં હોમવર્ક વધુ આપવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓ તહેવાર સારી રીતે ઉજવી શકતા નથી. જેથી વેકેશન દરમિયાન સ્કૂલઓએ વિદ્યાર્થીઓને કંટાળાજનક અને વારંવાર લેખન કરવું પડે તેવા હોમવર્ક કે ખૂબ જ લાંબા પ્રોજેક્ટ્સ આપવાનું ટાળવા સૂચન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ આનંદથી ઉજવણી કરી શકે તે માટે સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધ્યાને આવ્યું છે કે વિદ્યાર્થીઓ દિવાળી વેકેશન હોમવર્કમાં પસાર કરતા હોય છે. જ્યારે વેકેશન આપવામાં આવતું હોય તો તે સમયમાં હોમવર્ક એક મર્યાદિત હોવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં સારી રીતે ઉજવણી કરી શકે તે રીતે જ હોમવર્ક આપવા માટે સ્કૂલઓને સૂચના આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular