અમદાવાદ, 31 ઓક્ટોબર, 2026 : 3 accused in Rs 34 lakh robbery case in Odhav શહેરના ઓઢવ ઓવરબ્રિજ પર રૂપિયા 34 લાખની આંગડિયા લૂંટ કેસમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પોલીસની મદદથી મુખ્ય લૂંટારૂ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની સંયુક્ત તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ લૂંટની લૂંટફાટના નાણાંમાંથી મોંઘા શોખ પૂરા કરતા નવી કાર અને આઈફોન ખરીદ્યા હતા તેમજ અન્ય જગ્યાએ નાણાં સેરવ્યા હતા. પોલીસે આ મામલે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ગુનામાં વપરાયેલી તથા ખરીદેલી ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજ પર 21 ઑક્ટોબરની રાત્રે બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખને નકલી GST અધિકારી બની આંતરી, અપહરણ કરી ₹34 લાખની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશ પોલીસની મદદથી મુખ્ય લૂંટારૂ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અગાઉ ઝડપાયેલો મુખ્ય કાવતરાખોર પ્રીતમ ગોહેલની કડીઓના આધારે પોલીસે વિશ્વજીત ગોસ્વામી, વિકાસ ભારદ્વાજ અને આશરો આપી મદદ કરનાર અમિત શેમડિયા (ગોહેલ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી નવી કાર, આઇફોન અને રોકડ સહિત કુલ રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ 21 ઑક્ટોબરની રાત્રે બેંકમાંથી રૂપિયા 34 લાખની રોકડ રકમ લઈને ઓઢવ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં આવેલા શખસોએ પોતાની ઓળખ GST અધિકારી તરીકે આપી કેતન પરીખનું અપહરણ કરી કારમાં બેસાડી દીધા હતા. આરોપીઓ તેમને કઠવાડા તરફ લઈ ગયા હતા અને ₹34 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કાવતરાખોર પ્રીતમ ગોહિલની ધરપકડ કરી હતી.
મુખ્ય સૂત્રધાર પ્રીતમ અગાઉ આ જ પ્રકારે ચાલતી આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નવી પેઢી શરૂ થતાં ગ્રાહકો તૂટવા બાબતે તકરાર થઈ હતી. પ્રીતમે એવું માનીને કાવતરું ઘડ્યું હતું કે આંગડિયા પેઢીના નાણાં હોવાથી બદનામી કે ડરના કારણે પેઢી સંચાલકો પોલીસ ફરિયાદ નોંધાવશે નહીં અને પાછળથી સેટલમેન્ટ કરી લેવાશે. આથી તેણે પરિચિત વિશ્વજીત ગોસ્વામીને લૂંટ માટે તૈયાર કર્યો હતો. વિશ્વજીતે વિકાસ ભારદ્વાજ નામના ડ્રાઇવરને સાથે રાખી અપહરણ અને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.


