દમણ, 24 મે, 2026 : Driver dies after car hits truck behind him હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે દમણના દૂણેઠા કોસ્ટલ હાઈવે પર મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઊભેલી એક ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દમણ નજીક દૂણેઠા કોસ્ટલ હાઈવે પર આવેલા માનસી પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે હાઈવે પર ચાલી રહેલા કામના કારણે રસ્તા પર RJ-GC-4657 નંબરની એક ટ્રક ઊભી રાખવામાં આવી હતી. આ દરમિયાન નાની દમણથી પાતલિયા તરફ જઈ રહેલી GJ-15-CD-2445 નંબરની ઈકો કાર પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ હતી. રાત્રિના અંધારા અને અતિશય ગતિના કારણે કાર ચાલક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી જ ઊભેલી ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી. જેથી ઈકો કારના એન્જિનનો ભાગ કચડાઈને છેક ચાલકની સીટ સુધી આવી ગયો હતો. અકસ્માતને પગલે કાર ચાલક અરવિંદકુમાર બબુ યાદવ (ઉંમર 30 વર્ષ, હાલ રહેવાસી: ડોરી કડૈયા, મૂળ રહેવાસી: ભાવપુર, ઉત્તર પ્રદેશ) કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા.
અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને નજીકમાં કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારના પતરાં તોડીને ચાલકને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દમણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


