1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે
કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

0
Social Share

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી અંદાજે 400 જેટલી આરોગ્ય કર્મચારીઓની સામુહિક અને બિનયોજિત બદલીઓ સામે ભારે અસંતોષ ઊભો થયો છે. સ્થાનિક આરોગ્ય નિષ્ણાતો અને કર્મચારીઓ આ સ્થિતિને ‘બદલીઓનો એપેડેમિક’ ગણાવી રહ્યા છે. આ બદલીઓના વિરોધમાં હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ ખુલ્લેઆમ મેદાને આવ્યું છે. મહાસંઘે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે 01-01-2026ના રોજ થયેલી બદલીઓમાં માર્ગદર્શક નિયમોનું ઉલ્લંઘન થયું છે. શૈક્ષણિક સત્ર દરમિયાન અને કુલ સંખ્યાના 1/3 કરતા વધુ બદલી ન થવી જોઈએ છતાં કર્મચારીઓને 150 કિલોમીટરથી વધુ દૂર મુકવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છ રણપ્રદેશ, સીમાવર્તી વિસ્તાર અને અંતરિયાળ ગામડાઓમાં વહેંચાયેલો જિલ્લો છે. આરોગ્ય સેવાઓ માત્ર સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ તે કર્મચારી અને ગ્રામજન વચ્ચેના વિશ્વાસ પર આધારિત છે. એકાએક કરવામાં આવેલી બદલીઓથી સગર્ભા માતાઓ, શિશુઓ અને વૃદ્ધો માટે ઓળખીતો આરોગ્ય કર્મચારી ગુમાવાનો ખતરો ઊભો થયો છે. નવા કર્મચારીઓને વિસ્તાર, સ્થાનિક સમસ્યાઓ અને લોકો સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગશે, જેના કારણે રસીકરણ, માતા-શિશુ સંભાળ, ટીબી અને મેલેરિયા નિવારણ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોની સાતત્યતા ખોરવાઈ શકે છે.

 કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયાએ ચીમકી આપી છે કે જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ થશે, જેમાં રાજ્યભરના પ્રતિનિધિઓ જોડાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code