રાજકોટ, 13 સપ્ટેમ્બર, 2026 : Saurashtra University announcing exams during Navratri સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિવિધ સેમેસ્ટરોની પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્નાતકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા નવરાત્રિના તહેવાર દરમિયાન લેવાશે. UG સેમેસ્ટર-5 ના અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી લેવાશે. જેથી વિદ્યાર્થીઓએ વિરોધ કરીને નવરાત્રી પહેલા અથવા નવરાત્રી બાદ પરીક્ષા લેવા માટે યુનિના પરીક્ષા વિભાગને રજુઆત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં સેમેસ્ટર-5ની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે નિયમિત ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ વિલંબિત ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર અને ખાસ વિલંબિત ફી સાથે 28થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થશે. આ અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ., બીએસ.સી., બીએસ. સી.આઇટી, બીએસ. સી. એચ. એસ., બી.એ.આઈ.ડી., બી.બી.એ., બી. સી. એ., બી.પી.એ., બી. આર. એસ., બી. એસ. ડબલ્યુ, એલ. એલ. બી., બી. ડિઝાઇન, બી. એ. અને બી.કોમ. એક્સટર્નલ સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત BSC, MSC, BA, B ED, સહિત સેમે. .5 અને 7ની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવરાત્રિ દરમિયાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. આ અંગે પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષા હોય છે પરંતુ આ વખતે પરસોતમ મહિનો હોવાને કારણે આ પરીક્ષા દરમિયાન નવરાત્રિ આવી રહી છે. 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા શેડ્યુલ મુજબ પરીક્ષા લેવાશે.


